ખરીફ મકાઇના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

ખરીફ મકાઇના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!


ખેતી નિયામકની કચેરીએ ખરીફ મકાઇની વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ ધ્યાન રાખવા જેવી બાબતો અંગે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા

(જી.એન.એસ) તા. 9

ગાંધીનગર,

ગુજરાતભરના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર અને વાવેતરની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ખેડૂતો પોતાના પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દરેક તબક્કે ખેડૂતોની પડખે રહે છે. રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા સમયાંતરે વિવિધ પાકની વાવણી પહેલા અને વાવેતર સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. જે અંતર્ગત ખરીફ મકાઇ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું? તે અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.

ખરીફ મકાઈ પાકના વાવેતર પહેલા અને વાવેતર સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું:-

જમીનમાં ઉંડી ખેડ દિવસ દરમિયાન કરવી, જેથી જમીનમાં રહેલા કોશેટા બહાર આવતા પક્ષીઓ દ્વારા કુદરતી નિયંત્રણ મળશે.

તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણ વાપરવું અને રોગપ્રતિકારક જાતો પસંદ કરવી.

ભલામણ કરેલી ખેતી પદ્ધતિઓનો સમયસર ઉપયોગ કરવો.

એક જ જમીન પર મકાઇ વારંવાર ન વાવતા પાકની ફેરબદલી કરવી.

પિયત અને રાસાયણિક ખાતરનો વપરાશ ભલામણ મુજબ જ કરવો.

મકાઈમાં પાછોતરા સૂકારા રોગના નિયંત્રણ માટે સારા નિતારવાળી જમીન વાવણી માટે પસંદ કરવી.

જમીનનું તાપમાન નીચુ રહે તે માટે ટૂંકા ગાળે પિયત આપવાથી રોગમાં ઘટાડો થાય છે.

મકાઈમાં ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અથવા ચોળા આંતરપાક તરીકે વાવવા.

રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો રહે એ માટે મકાઈની વાવણી તા. ૧૫ જૂનથી ૩૦ જૂન સુધીમાં કરવી.

વાવેતર પહેલાં લીંબોળીનો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટર નાખવો.

પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળ (ફોલ આર્મીવોર્મ)ના નિયંત્રણ માટે ગુજરાત આણંદ પીળી મકાઇ હાઇબ્રીડ-૧ (GAYMH-1) અને ગુજરાત આણંદ પીળી મકાઇ હાઇબ્રીડ-૩ (GAYMH-3) જેવી ઓછી સંવેદનશીલ જાતોનું વાવેતર કરવું.

પાનના સુકારા તેમજ તડછારો રોગ સામે ગુ.આ.પી. સં.મ.-૧, ગુ.આ.સ.સં.મ.-૨, ગુ.આ.પી.સં.મ.-૩, ગંગા સફેદ-૨, ગંગા સફેદ-૧૧,  ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન -૧૦, શ્વેતા, નવીન અને જવાહર જેવી પ્રતિકારક જાતોની વાવણી કરવી.

ગાભમારા/સાંઠાની ઈયળના વ્યવસ્થાપન માટે બિયારણનો દર વધારે રાખવો જેથી શરૂઆતમાં ઉપદ્રવ લાગેલા છોડ ઉપાડી ઈયળ સહિત નાશ કરવાથી ઉપદ્રવ ઘટાડી શકાય અને એકમ વિસ્તારમાં છોડની સંખ્યા સાચવી શકાય.

પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૧ એકર જમીનમાં નાખવું.

મકાઈમાં બીજનો કોહવારો, પાનનો સૂકારો અને ઉગતા છોડનો સૂકારો અટકાવવા માટે બીજને જૈવિક ફૂગનાશક તરીકે ટ્રાયકોડર્મા ૬ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ દીઠ માવજત આપીને વાવવા અથવા જરૂરિયાતને ધ્યાને લઇ, ફૂગનાશક દવા તરીકે થાયરમ અથવા કાર્બેન્ડેઝિમ ૨-૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજની માવજત આપીને વાવણી કરવી.

ટપકાંવાળી લશ્કરી ઇયળ સામે રક્ષણ માટે બીજને કીટનાશકના તૈયાર મિશ્રણ સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮%+ થાયામેથોકઝામ ૧૯.૮% એફએસ, ૬ મિ.લિ./કિ.ગ્રા. પ્રમાણે સપ્રમાણ પાણી ભેળવી બીજ માવજત આપી છાંયડે સૂકવીને પછી વાવેતર કરવું.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *