(જી.એન.એસ) તા. 16
વડોદરા,
વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામ પટેલની પાદરા પોલીસ ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે, તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને સોશિયલ મીડિયામાં ખોટી અને ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરી હતી.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે ઘનશ્યામ પટેલે વડાપ્રધાન મોદી સામે એક એવી પોસ્ટ શેર કરી હતી, જેને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહી છે. આ મામલે પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરતાં પાદરા વિસ્તારમાંથી ઘનશ્યામ પટેલને ઝડપી પાડ્યા હતા. પાદરા પોલીસે ઘનશ્યામ પટેલ વિરુદ્ધ વાંધાજનક ખોટી પોસ્ટ કરવાના ગુનામાં આગળ કાર્યવાહી હાથ ધરી છે.
પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ કડક શબ્દોમાં કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જે પોસ્ટ કરી છે તે શરમજનક બાબત છે. આનાથી કોંગ્રેસની માનસિકતા છતી થાય છે. આ એક અપમાનજનક બાબત છે અને કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ છતો થાય છે. આવા પ્રકારના કૃત્ય ક્યારેય સહન કરવામાં નહી આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.”