કેન્દ્રીય ગૃહ, સહકાર મંત્રીશ્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહ, સહકાર મંત્રીશ્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું


સાણંદ અને બાવળા તાલુકામાં સહકારી સંકુલ, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ તેમજ ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ સંપન્ન

(જી.એન.એસ) તા. 28

ગાંધીનગર,

ગુજરાતની મુલાકાતે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે પોતાના લોકસભા વિસ્તારના નાગરિકોને વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ સાણંદ અને બાવળા તાલુકામાં કુલ ચાર મુખ્ય કાર્યક્રમોમાં સહભાગી થઈ મતવિસ્તારની વિકાસ યાત્રાને વેગ આપ્યો હતો.

શ્રી અમિતભાઈ શાહે બાવળા તાલુકાના આદરોડા ખાતે મોડલ કો-ઓપરેટીવ વિલેજ અંતર્ગત અદરોડા સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા નવનિર્મિત સહકારી સંકુલનું લોકાર્પણ કરાવ્યું હતું. આદરોડા ગામ ગાંધીનગર લોકસભા મતવિસ્તારનું પ્રથમ મોડેલ કોઓપરેટિવ વિલેજ બન્યું છે, જ્યાં એક જ સંકુલમાં સહકારી મંડળી, કો-ઓપરેટિવ બેન્ક, ગામનો કમ્યૂનિટી હોલ અને આરોગ્ય કેન્દ્ર વિકસાવવામાં આવ્યા છે. આનાથી ગામલોકોને એક જ સ્થળે તમામ આવશ્યક સેવાઓ ઉપલબ્ધ થશે, જેનાથી તેમની સુવિધામાં અનેકગણો વધારો થશે અને સમયનો બચાવ થશે.

લોકાપર્ણ બાદ શ્રી અમિતભાઈ શાહે સંકુલની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોની એકતાને બિરદાવી હતી.

શ્રી અમિતભાઈ શાહે સાણંદ તાલુકાની જુવાલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ શાળામાં આધુનિક સુવિધાઓ સાથે ૮ નવા ઓરડા અને ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે, જેનાથી ધોરણ ૧થી ૫ના ૩૮૭ બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં મદદ મળશે અને શિક્ષણનું વાતાવરણ વધુ સુવિધાજનક બનશે.

શ્રી અમિતભાઈ શાહે સાણંદના ફાંગડી ખાતે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાવ્યું હતું. આ નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન ગામના વહીવટી કાર્યોને સુવ્યવસ્થિત બનાવવામાં મદદ કરશે અને ગ્રામજનોને સરકારી સેવાઓ વધુ સરળતાથી અને પારદર્શક રીતે ઉપલબ્ધ બનશે, જેનાથી ગ્રામીણ વિકાસને વેગ મળશે..

આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સાણંદ GIDCમાં તૈયાર કરાયેલા ઓક્સિજન પાર્ક ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા વાતાવરણના નિર્માણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આનાથી સ્થાનિક પર્યાવરણ સુધરશે અને નાગરિકોને શુદ્ધ વાયુ મળી રહેશે.

આ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ પ્રસંગે પૂર્વમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ, ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, દસ્ક્રોઇના ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, સહકારી આગેવાન શ્રી અજયભાઈ પટેલ અને બિપીનભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, સ્થાનિક આગેવાન શ્રી શૈલેષભાઈ દાવડા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *