આમ આદમી પાર્ટીના ભાજપ સાથેના સંપર્કો મામલે કડી શહેર પ્રમુખે જ ઘટસ્ફોટ કર્યો
(જી.એન.એસ) તા. 15
કડી/ગાંધીનગર,
ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી પહેલા કડીમાં રવિવારે એક અભૂતપૂર્વ રાજકીય પરિવર્તન જોવા મળ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના જ કડીના શહેર પ્રમુખ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલા બાપુ ની આગેવાની હેઠળની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના કડી શહેર પ્રમુખ મુનિર ખાન પઠાણે રવિવારે સત્તાવાર રીતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાઈને નવા રાજકીય અધ્યાયની શરૂઆત કરી છે. આ પ્રસંગે માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ તથા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દાંતા નરેશ શ્રી રિદ્ધિરાજસિંહ પરમારની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.
મુનિર ખાન પઠાણે જણાવ્યું હતું કે, તેઓ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની લોકહિતની નીતિઓથી પ્રભાવિત થઈને આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ના ઉમેદવાર ડોક્ટર ગિરીશ કાપડિયા ને સમર્થન આપવાની સાથે આમ આદમી પાર્ટીના ભાજપ તરફી વલણથી બહાર નીકળી કડીની જનતાની સેવા કરવા માટે તેઓએ તેમના સમર્થકો સાથે પ્રજા શક્તિ ડેમોક્રેટી પાર્ટી જોઈન કરી છે અને તેઓ હવે કડીની ચૂંટણીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને સમર્થન આપી જીતાડવાના પ્રયત્નોમાં લાગી જશે.
આ રાજકીય જોડાણ એવા સમયે થયું છે જ્યારે કડી વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થઈ છે. આ બેઠક પૂર્વ ભાજપ ધારાસભ્ય સ્વ.કરશનભાઈ સોલંકીના અવસાનને પગલે ખાલી પડી હતી. આ પેટા ચૂંટણી માટે મતદાન તા. 19 જૂન યોજાશે અને તા. 23 જૂન 2025 ના રોજ મતગણતરી કરવામાં આવશે.
આદમી પાર્ટીના નેતા દ્વારા પાર્ટી છોડવાની ઘટના પણ આવનાર સમયમાં મોટા રાજકીય સમીકરણો ઊભા કરી શકે છે.