ઉનાળામાં ગુજરાતનાં દરેક ગામડાને પીવા માટેનું પૂરતું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

ઉનાળામાં ગુજરાતનાં દરેક ગામડાને પીવા માટેનું પૂરતું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ


ગુજરાતનાં ૬૪ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત; રાજ્યમાં ૧૪,૮૯૫ MCFT પાણીની જરૂરીયાત સામે ૨.૨૩ લાખ MCFT જથ્થો ઉપલબ્ધ

(જી.એન.એસ) તા. ૧૪

અમદાવાદ,

ગુજરાતનાં ૨૦૭ જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ ૦૬ ટકા વધુ કુલ ૪,૩૯,૧૨૯ MCFT જેટલુ પાણી સંગ્રહિત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝન દરમિયાન ગુજરાતનાં નાગરિકોને પીવા માટેનું શુદ્ધ અને પર્યાપ્ત પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.

આ સંદર્ભે તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં કુલ ૬૪ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે. જ્યારે, હાલની સ્થિતિએ રાજ્યમાં પીવા માટેના ૧૪,૮૯૫ MCFT પાણીની જરૂરીયાત સામે આ જળાશયોમાં કુલ ૨,૨૩,૪૩૬ MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની સ્થિતીએ રાજ્યના સરદાર સરોવર ડેમ સહિતના કુલ ૨૦૭ જળાશયોમાં પણ કુલ ૪,૩૯,૧૨૯ MCFT જેટલુ પાણી સંગ્રહિત છે, જે ગત વર્ષની સરખામણીએ લગભગ ૦૬ ટકા જેટલું વધુ છે.

વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, હાલમાં રાજ્યના ૧૫,૭૨૦ ગામોને સરફેસ સોર્સ આધારીત જુથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યારે, બાકીના ૨,૪૩૨ ગામો ભૂગર્ભ જળ આધારીત યોજનાઓથી પીવા માટેનું પાણી મેળવી રહ્યા છે. આ ગામોને પણ જુથ યોજનામાં આવરી લેવા માટેના કામો હાલ પ્રગતિ હેઠળ છે. આમ, રાજ્યના તમામ ૧૮,૧૫૨ ગામોને પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી મળી રહ્યું છે.

પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા મોટા ભાગના ડેમોમાં ૧૫ જુલાઇ, ૨૦૨૫ સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના દરેક જળાશયમાં પીવાના પાણી માટેનો જથ્થો અનામત રાખ્યા બાદ બાકીના પાણીના જથ્થાનો વપરાશ સિંચાઇ માટે કરવામાં આવે છે, તેમ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *