(જી.એન.એસ) તા. 8
લંડન,
ઈંગ્લન્ડમાં એક હાઈ કોર્ટે વકીલો પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ દ્વારા રચવામાં આવેલા બોગસ કાનૂની કેસો ટાંકીને એક મોટી વાત કહી હતી. કોર્ટે વકીલોને સખત ચેતવણી આપી છે કે તેમના કાનૂની રિસર્ચની અધિકૃતતા ખોટી સાબિત થશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકશે. કોર્ટે જણાવ્યું કે એઆઈનો દુરુપયોગ કાનૂની યંત્રણામાં ન્યાય અને જાહેર વિશ્વાસ પૂરો પાડવામાં જોખમ સર્જી શકે.
આ મુદ્દો તાજેતરમાં બે કેસોમાં ઉજાગર થયો હતો. એક હતો કતાર નેશનલ બેન્ક સામે જેમાં ૯૦ મિલિયન પાઉન્ડના કેસમાં વકીલે જનરેટીવ એઆઈથી ૧૮ બનાવટી કેસો ટાંક્યા હતા. અસીલ હમદ અલ-હરુને જવાબદારી સ્વીકારીને માફી માગી લીધી હોવા છતાં કોર્ટે કાનૂની ચોકસાઈ માટે અસીલ પર મદાર રાખનાર વકીલની અસાધારણ પદ્ધતિની સખત ટીકા કરી હતી.
અન્ય કેસમાં એક હાઉસિંગ વિવાદમાં પાંચ બનાવટી દાખલા ટાંકવામાં આવ્યા હતા જેમાં બેરિસ્ટર સરાહ ફોરે ક્ષતિ માટે સ્પષ્ટ ચોખવટ આપવામાં નિષ્ફળ ગઈ હતી, જો કે તેણે એઆઈનો ઉપયોગ કર્યો હોવાનો ઈન્કાર કર્યો હતો.
કોર્ટે બંને વકીલોની ફરિયાદ તેમના વ્યાવસાયિક નિયામકોને કરી પણ તેમની સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી ટાળી. જો કે ન્યાયધીશે જણાવ્યું કે કોર્ટમાં ખોટી સામગ્રી સુપરત કરવાથી કોર્ટનું અવમાન અથવા ન્યાયનો માર્ગ વિકૃત થઈ શકે છે, જે અપરાધો માટે આજીવન કેદ સહિતના ગંભીર પરિણામ આવી શકે છે.
વ્યક્ત કરાયેલી ચિંતાઓ છતાં ચુકાદામાં કબૂલ કરાયું કે કાનૂની વ્યવસાય માટે એઆઈ એક શક્તિશાળી અને સંભવિત મૂલ્યવાન સાધન છે. જો કે ન્યાય પ્રણાલીની વિશ્વસનીયતા જાળવી રાખવા તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક નિયંત્રિત અને નૈતિક રીતે થવો જોઈએ.