(જી.એન.એસ) તા. 15
ગાંધીનગર/રાજકોટ,
આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટ ખાતે યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ જશે. સંગઠન મહામંત્રી, આગેવાનો, નેતાઓ અંતિમવિધિમાં જોડાશે. પંજાબથી પણ રાજકીય આગેવાનો રાજકોટ આવશે. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી મંત્રીઓ અંતિમ વિધિમાં રાજકોટ હાજરી આપશે.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સોમવારે પરિવારજનોને સિવિલમાંથી મૃતદેહ મળશે. એરલાઈન્સ મારફતે મૃતદેહ રાજકોટ લવાશે. રાજકોટમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ કરાશે. સવારે 11.00 વાગે નિવાસસ્થાનેથી પરિવાર સિવિલ હોસ્પિટલ જશે. જ્યારે સાંસદ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું કે, અમારા પ્રિય સાથીદાર વિમાન દુર્ઘટનાના ભોગ બન્યા છે. રાજકોટમાં વિદ્યાર્થી નેતાથી પ્રસ્થાપિત થયેલા હતા.
રાજકોટ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પણ નાગરિકોને માહિતી આપવામાં આવી છે. જે રૂટ પર વાહનો માટે પ્રવેશ બંધી અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે તે રૂટની સમગ્ર માહિતી આપવામાં આવી છે.
આજે સોમવાર ને 16 જૂન, 2025 નાં રોજ સવારે 11 કલાકે સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારજનો ગાંધીનગર નિવાસસ્થાનેથી સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે. > 11.30 કલાકે પરિવારજનોને સ્વ. વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ સોંપવામાં આવશે. > 11.30 થી 12.30 વાગ્યા દરમિયાન સિવિલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. > બપોરે 12.30 થી 2.00 કલાક દરમિયાન અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ જવા રવાના થશે. > 12.00 થી 2.30 કલાક દરમિયાન રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચશે. > 2.30 થી 4.00 કલાકે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને જવા રવાના થશે. દરમિયાન, ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, ત્યાંથી સામેનાં રોડથી બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પૂજીત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, ઝેન > ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કુલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ, પ્રકાશ સોસાયટી થઈને નિવાસ સ્થાન :- પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, ખાતે પહોંચશે. > 4.00 થી 5.00 નિવાસસ્થાને પાર્થીવદેહના દર્શન કરી શકાશે. 5 વાગ્યા બાદ અંતિમયાત્રા યોજાશે. > 5 થી 6 વાગ્યા વચ્ચે અંતિમયાત્રા નીકળશે, સાંજે 6 વાગ્યે પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થશે.