એપ્રિલ -જૂન 2025 દરમિયાન વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સમાં 200થી વધુ પ્રતિભાગીઓને તાલીમ આપી
(જી.એન.એસ) તા. 7
ગાંધીનગર,
ભારતીય પ્રૌધોગિક સંસ્થાન ગાંધીનગર(આઈ.આઈ.ટી. ગાંધીનગર)ના સમુદાય વિકાસ પ્રોગ્રામ “નીવ” દ્વારા એપ્રિલ – જૂન 2025 દરમિયાન ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલ યુવાનો અને મહિલાઓ માટે કુલ છ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. કુલ 209 પ્રતિભાગીઓને 6 થી 9 અઠવાડિયાના સમયગાળાના આ કોર્સોમાં તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ Desai Foundation Trust સાથે ભાગીદારી અને Milacron India Pvt. Ltd.ના સહયોગથી આયોજન કરવામાં આવી હતી.
સ્ટીચિંગ કોર્સમાં 29, બ્યુટિશિયન કોર્સમાં 24, કમ્પ્યુટર કોર્સમાં બે ક્લાસના કુલ 86, સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં 32 અને ટેલી કોર્સમાં 38 પ્રતિભાગીઓને 6 જૂન 2025ના રોજ યોજાયેલી સમાપન સત્રમાં પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
શ્રીમતી અનાર પટેલ, જાણીતા સામાજિક ઉદ્યોગસાહસિક અને ફિલાન્થ્રોપિસ્ટી – ઝૂંપડપટ્ટીના બાળકોની સેવા કરતી માનવ સાધના એનજીઓના સહ-સ્થાપક અને ગુજરાતના કારીગરોને પ્રોત્સાહન આપતી ક્રાફ્ટરૂટ્સના સ્થાપક – આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી પટેલે સહભાગીઓને અભિનંદન આપ્યા અને કોર્ષમાંથી શીખેલા કૌશલ્યોને તેમના શિક્ષણ અને કારકિર્દીના વિકાસ તેમજ સમાજની સેવા માટે લાગુ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
‘નીવ’ના પ્રોગ્રામ મેનેજર સૌમ્યા હરિશે જણાવ્યું હતુ કે, “આઈઆઈટી ગાંધીનગર માત્ર અગ્રણી શૈક્ષણિક સંસ્થા જ નથી, પરંતુ સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવતી કામગીરીમાં પણ વિશેષ યોગદાન આપે છે. ‘નીવ’ દ્વારા અમે એવા લોકો સુધી પહોંચીએ છીએ જેમને માર્ગદર્શન અને કુશળતાની ખાસ જરૂર છે.”
“નીવ” એ આઈઆઈટી ગાંધીનગરનો સમુદાય વિકાસ પ્રોગ્રામ છે, જે સ્થાનિક સમુદાયના મહિલાઓ અને યુવાનોને કુશળતા વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને જીવન જીવિકાના માર્ગે આગળ વધવા માટે સશક્ત બનાવે છે. 2014થી અત્યાર સુધીમાં ‘નીવ’ દ્વારા 40થી વધુ ગામો અને પેરી-અર્બન વિસ્તારોમાં 7100થી વધુ લાભાર્થીઓ માટે 170થી વધુ સામાજિક પ્રભાવકારક પ્રવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવી છે.