(જી.એન.એસ) તા. 23
કેલિફોર્નિયા,
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ડિએગો શહેરમાં 22 મે, 2025ના રોજ વહેલી સવારે એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે મર્ફી કેન્યોન રહેણાંક વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો છે. આ દુર્ઘટના અમેરિકન સેનાના સૌથી મોટા આવાસ વિસ્તારમાં બની છે.
આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સાન ડિએગો નજીક ધુમ્મસમાં એક નાનું વિમાન અચાનક ક્રેશ થયું અને આકાશમાંથી રહેણાંક વિસ્તારમાં ઘરો પર પડ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ 10 ઘરોમાં આગ લાગી હતી, પરંતુ તે સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. વિમાનમાં સવાર લગભગ બધા જ લોકો મૃત્યુ પામ્યા. આ વિમાનમાં 8 થી 10 લોકો સવાર હોઈ શકે છે.
આ મામલે પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને ઘરો ખાલી કરાવ્યા. 100થી વધુ સ્થાનિક લોકોની નજીક શાળાએ લઈ ગયા. દુર્ઘટનાગ્રસ્ત વિમાનની ઓળખ Cessna 550ના રૂપમાં થઈ છે, જે મોંટગોમરી-ગિબ્સ એક્ઝિક્યૂટિવ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ની ટીમ કરશે. દુર્ઘટના બાદ વિસ્તારમાં જેટ ફ્યૂલ ચોતરફ ફેલાઈ ગયું. જે કારણે ફાયર બ્રિગેડ ટીમ આગ પર કાબૂ મેળવવામાં લાગી છે.
આ ઘટના સવારે 3:45 વાગ્યાની આસપાસ બની, જ્યારે ગાઢ ધુમ્મસને કારણે અત્યંત ઓછી વિઝિબલિટી હતી. વિમાન એરપોર્ટથી લગભગ બે માઈલ દૂર પાવર લાઈન સાથે અથડાયું હતું, જેના પછી તે રહેણાંક વિસ્તારના ઘરો અને શેરીઓમાં પડ્યું. વિમાનમાંથી બહાર નીકળેલું જેટ ફ્યૂઅલ શેરીઓમાં ફેલાયું, જેના કારણે ઘરો અને વાહનોમાં ભીષણ આગ ફેલાઈ. સાન ડિએગો ફાયર ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ચીફ ડેન એડીએ જણાવ્યું, “જેટ ફ્યૂઅલ શેરીઓમાં વહેતું હતું અને બધું એકસાથે સળગી રહ્યું હતું, આ દૃશ્ય ખૂબ ભયાનક હતું.” સદનસીબે, આ ઘટનામાં રહેણાંક વિસ્તારના કોઈ રહેવાસીને ગંભીર ઈજા થઈ નથી, અને માત્ર 8 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ, જેમાં મોટાભાગની સ્મોક ઇન્હેલેશનની ફરિયાદો હતી.