(જી.એન.એસ) તા. 20
વોશિંગ્ટન,
અમેરિકી તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માં સંકળાએલ, ઈમિગ્રેશનમાં મદદ કરનારા ભારતીય ટ્રાવેલ એજન્સીઓ સામે કડક પગલાં જાહેર કર્યા છે. ગેરકાયદેસર ઈમિગ્રેશન કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારી ટ્રાવેલ એજન્સીના માલિકો, કર્મચારીઓ પર વિઝા નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેવું યુએસ એમ્બેસીએ સોમવારે કહ્યું હતું.
આ મામલે અમેરિકી દૂતાવાસે જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં જાણીબુઝીને મદદ કરનારા ટ્રાવેલ એજન્સીઓના માલિકો, કર્મચારીઓ અને સિનિયર એક્ઝીકયુટિવ સામે (સોમવારે) વિઝા નિયંત્રણ લાદવામાં આવ્યા છે. ગેરકાયદેસર ઈમિગ્રેશન, માનવ તસ્કરીમાં મદદરૂપ બનનારાઓની ઓળખ કરવાની અને આગળ કાર્યવાહી કરવાની પ્રવૃત્તિઓ માટે અમારા કન્સ્યૂલેટ અર્ફેસ અને ડિપ્લોમેટિક સિક્યુરિટી સર્વિસ સતત કાર્યરત છે. સ્મગલિંગ નેટવર્કસને છિન્નભિન્ન કરવા માટે અમે શંકાસ્પદ ટ્રાવેલ એજન્સીઓ સામે વિઝા નિયંત્રણો લાદતા રહીશું. અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રેશનના ભયસ્થાનો અંગે જાણ કરવાની અને અમારા કાયદાઓનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓને જવાબદાર ગણવાનું અમારી ઈમિગ્રેશન પોલીસીનું લક્ષ્ય છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે ‘અમેરિકાના ઈમિગ્રેશન કાયદાઓ અને નીતિઓની અમલ કરવું કાયદાના શાસન અને અમેરિકનોના રક્ષણ માટે અતિ મહત્ત્વનું છે. વિઝા નિયંત્રણ નીતિ વૈશ્વિક સ્તરે છે અને વિઝામુક્ત પ્રોગ્રામમાં લાયક ઠરે છે તેવા વ્યક્તિઓ પર પણ લાગૂ પડી શકે છે.’
ગેરકાયદેસર ઈમિગ્રન્ટસને તેમના સ્વદેશમાં પાછા ડિપોર્ટ કરવાનું અમેરિકા નિયમિતપણે કરતું રહે છે. ૨૦૦૯થી હજુ સુધી ભારતમાં અમેરિકાથી ૧૫,૭૫૬ ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટસને ડિપોર્ટ કરાયા હતા તેવું વિદેશપ્રધાન એસ. જયશંકરે ફેબુ્રઆરી મહિનામાં સંસદમાં કહ્યું હતું. ૨૦૦૯થી ૨૦૨૫ સુધી દર વર્ષે ૫૦૦થી વધુ ભારતીય વસાહતીઓને સ્વદેશ પાછા ધકેલાયા છે. ૨૦૧૬થી ૨૦૨૦ દરમ્યાન આ આંકડો વધીને ૧૦૦૦ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, યુએસના તંત્ર દ્વારા ૧૭મી મે, શનિવારે ચેતવણી આપી હતી કે દેશમાં વિઝા પૂરા થયા પછી પણ અહીં રહેનારાઓનું ડિપોર્ટેશન થશે અને તેમના પર અમેરિકામાં પાછા પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ લાદવામાં આવશે. આ ચેતવણી આપ્યાના બે દિવસ પછી અમેરિકાની શંકાસ્પદ ટ્રાવેલ એજન્સીઓ સામે કડક પગલાં લેવાયા છે.