ગોંડલનાં અમિત ખૂંટ કેસમાં મોટો વળાંક
(જી.એન.એસ) તા. 9
ગોંડલ,
રાજકોટના ચકચારભર્યા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે જેમાં, 17 વર્ષીય સગીરા દ્વારા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે. જજ સમક્ષ 17 વર્ષીય સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરાયા છે. જયરાજસિંહના માણસો દ્વારા ખોટા નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું સગીરાએ નિવેદન આપ્યું છે. સગીરાએ રાજકોટ ગ્રામ્ય પોલીસ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રીબડાનાં યુવક અમિત દામજીભાઇ ખુંટનો પોતાની વાડીની બાજુમાં વોંકળામાં આવેલા ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 2 મહિલા સહિત અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ થઈ હતી. જો કે, હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. 17 વર્ષીય સગીરા દ્વારા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે નિવેદન નોંધાવવામાં આવ્યું છે.