અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પાર્થિવ દેહ સન્માનભેર સોંપવાની સમગ્ર પ્રક્રિયા માટે 2 કંટ્રોલરૂમ કાર્યરત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પાર્થિવ દેહ સન્માનભેર સોંપવાની સમગ્ર પ્રક્રિયા માટે 2 કંટ્રોલરૂમ કાર્યરત


(જી.એન.એસ) તા. 15

અમદાવાદ,

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને અત્યંત સન્માન અને સંવેદના સાથે, ન્યૂનતમ સમયમાં સોંપવામાં આવે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા એક સુવ્યવસ્થિત અને સંકલિત પ્રણાલી ઊભી કરવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (RMO) ડૉ. સંજય સોલંકીએ જણાવ્યું છે કે, આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય દુઃખની આ ઘડીમાં પીડિત પરિવારોની મુશ્કેલીઓ ઘટાડવાનો છે.

આ સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા માટે બે અલગ-અલગ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે:

પ્રથમ કંટ્રોલરૂમ (D2 બિલ્ડીંગ): ઓળખ અને પ્રાથમિક કાર્યવાહી

જ્યારે પણ કોઈ મૃતકનું DNA સેમ્પલ મેચ થાય છે, ત્યારે સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલની D2 બિલ્ડીંગ પાસે આવેલા કંટ્રોલરૂમ પરથી મૃતકના પરિવારજનનો ફોન કરીને સંપર્ક કરવામાં આવે છે. પરિવારજનો અહીં પહોંચે ત્યારે તેમની ઓળખની ખરાઈ કરવામાં આવે છે. તેમના દ્વારા રજૂ કરાયેલા ઓળખપત્રોની ચકાસણી કરીને મૃતક સાથેનો તેમનો સંબંધ સુનિશ્ચિત થયા બાદ, અહીં જ પ્રાથમિક કાગળ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે.

બીજો કંટ્રોલરૂમ (૧૨૦૦ બેડ હોસ્પિટલ મોર્ચ્યુરી):-

પ્રથમ કંટ્રોલરૂમ ખાતે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોને ૧૨૦૦ બેડ હોસ્પિટલ સ્થિત મોર્ચ્યુરી પાસે બનાવેલા બીજા કંટ્રોલરૂમ ખાતે લઈ જવામાં આવે છે.

અહીંની વ્યવસ્થાની વિશેષતા એ છે કે પરિવારજનો પહોંચે તે પહેલાં જ તેમના માટે જરૂરી તમામ દસ્તાવેજો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે.

આ ઉપરાંત, પાર્થિવ દેહને કોફીનમાં રાખવાની તેમજ જરૂર જણાય તો મૃતદેહને લાંબા અંતર સુધી સાચવવા માટે ‘એમ્બાલ્મિંગ’ (Embalming) કરવાની પ્રક્રિયા પણ અહીં જ પૂર્ણ કરી દેવાય છે.

પરિવારજનોના સમયનો બચાવ થાય અને તેમને કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે આ કંટ્રોલરૂમ ખાતે એક જ સ્થળે વિવિધ ડેસ્ક ઊભા કરાયા છે:-

 • પોલીસ ડેસ્ક: અહીં પંચનામું, એક્સિડેન્ટલ ડેથની નોંધ, સહિતના તમામ જરૂરી પોલીસ દસ્તાવેજો તૈયાર કરી દેવાય છે.

 • ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટ ડેસ્ક: પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ અને ડેથ નોટ અહીંથી તાત્કાલિક ઇશ્યુ કરવામાં આવે છે.

 • એર ઇન્ડિયા ડેસ્ક: વીમા ક્લેમની પ્રક્રિયા માટેના આવશ્યક દસ્તાવેજો અહીંથી તૈયાર કરી અપાય છે.

 • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડેસ્ક: અહીંથી મૃત્યુનું પ્રમાણપત્ર (Death Certificate) આપવામાં આવે છે. જો પ્રમાણપત્રમાં કોઈ ભૂલ જણાય, તો સ્થળ પર જ તાત્કાલિક સુધારો કરી આપવામાં આવે છે.

આ તમામ દસ્તાવેજીકરણની પ્રક્રિયા માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં પૂર્ણ કરીને, પાર્થિવ દેહને કોફીનમાં મૂકીને અત્યંત સન્માનપૂર્વક પરિવારને સોંપવામાં આવે છે.

 મોર્ચ્યુરીના દરવાજા પાસે જ એમ્બ્યુલન્સ અને સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી સહાયક ટીમ તૈયાર હોય છે, જે પાર્થિવ દેહને લઈને પરિવાર સાથે તેમના વતન જવા રવાના થાય છે.

સિવિલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની સાથે છે અને દિવંગતોને ગરિમાપૂર્ણ વિદાય આપવા માટે કટિબદ્ધ છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *