(જી.એન.એસ) તા. 16
અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા દિવસો થી ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે, સરખેજ, જુહાપુરા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 292 મકાનો અને દુકાનો પર બુલડોઝરની કાર્યવાહી શરુ કરી દેવાઈ છે. મનપાની નોટિસ બાદ લોકોએ તાત્કાલિક મકાનો ખાલી કરી દીધા હતા. જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરમાં આવેલા ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને જમીન દોસ્ત કરાયા હતા.
આ પહેલા ગુરુવારે રખિયાલ ખાતે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક પરિવાર દ્વારા પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરી નમાજની જગ્યા બનાવી હતી તેને તોડી પાડવામાં આવી હતી. 350થી વધુ પોલીસકર્મીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. બુલડોઝર દ્વારા બાંધકામો તોડી પાડવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓના ટોળા ડિમોલિશન જોવા માટે એકઠા થયા હતા.