વિરમગામ, ધોળકા અને ધોળકા તાલુકાના નાગરિકોએ બહોળી સંખ્યામાં સેચ્યુરેશન કેમ્પનો લાભ લીધો
(જી.એન.એસ) તા. 1
અમદાવાદ,
અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન-PMJANMAN તથા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન-DA JGUA અંતર્ગત જૂન માસમાં વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓ અને સુવિધાઓ અનુસૂચિત જનજાતિના અને ખાસ કરીને પઢાર જાતિના લોકો તથા અન્ય નાગરિકો સુધી પહોંચાડવા સેચ્યુરેશન કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત આજે અમદાવાદ જિલ્લામાં આજે વિરમગામ તાલુકાના શાહપુર, ધંધુકા તાલુકાના ખસ્તા અને ધોળકા તાલુકાના અંધારી ખાતે સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ લાભ લીધો હતો.
આ જ પ્રકારે, આગામી તા.૩ જુલાઈના રોજ બાવળા તાલુકાના દેવડથલ ગામે, તા. ૪ જુલાઈના રોજ બાવળા તાલુકાના શિયાળ ગામે અને તા. ૮ જુલાઈના રોજ બાવળા તાલુકાના દુર્ગી ગામે સેચ્યુરેશન કેમ્પ યોજાશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના જનજાતિય મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં તા.૧૫ જુલાઈ સુધી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન-PMJANMAN તથા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન-DA JGUA અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં વસતા અનુસૂચિત જનજાતિના નાગરિકો સુધી જનહિતકારી યોજનાઓ અને સુવિધાઓ પહોંચાડવાના ઉમદા આશયથી સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સેચ્યુરેશન કેમ્પમાં આધાર કાર્ડ, રેશનકાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ-PMJAY, જાતિ પ્રમાણપત્ર, પીએમ કિસાન, જનધન ખાતા જેવા વિવિધ લાભો પહોંચાડવા ઉપરાંત સિકલ સેલ રોગો અંગે જાગૃતિ લાવવા સહિતના ઉપક્રમોનું આયોજન કરાયું છે.
જેથી જિલ્લાના અનુસૂચિત જનજાતિના નાગરિકો અને ખાસ કરીને પઢાર જાતિના નાગરિકો સહિત તમામ લોકોને આ કેમ્પનો પૂરતો લાભ મળી રહે, તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા જિલ્લા કલેક્ટરશ્રી સુજિત કુમાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે.