(જી.એન.એસ) તા. 10
વડોદરા,
અમદાવાદમાં ભાજપ કાર્યકર્તા હત્યા કેસના આરોપી મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદારના વાયરલ થયેલા વીડિયો બાદ જેલોના વડા ડૉ. કે.એલ.એન.રાવે તપાસના આદેશ આપ્યાં છે. તપાસમાં અધિકારીને કેટલાં પુરાવા મળશે અને કોની સામે કાર્યવાહી થશે તે હવે જોવું રહ્યું.
જેલમાં સજા ભોગવી રહેલા મોન્ટુ નામદાર દ્વારા અન્ય વૃધ્ધ કેદીની મદદથી ખુલ્લા આકાશ નીચે સ્નાન કરતો અને ગાળો બોલto વાયરલ વીડિયોએ જેલ સત્તાધીશોની ઊંઘ ઉડાડી દીધી છે. જૂન-2022થી જેલમાં કેદ મોન્ટુ નામદાર ગુજરાતની અમદાવાદ, નડીયાદની બિલોદરા જેલ અને હાલ વડોદરા મધ્યસ્થ જેલમાં છે. જેલની અંદર ખુલ્લા સ્થાન પર સ્નાન કરતો, કસરત કરતો તેમજ જેલની બેરેકની અંદરના મોન્ટુ નામદારે ઉતારેલા/ઉતરાવેલા વીડિયો લીક થયાં છે. આ વીડિયો જાહેર થતાંની સાથે જ જેલ સત્તાધીશો દોડતા થઈ ગયા હતા અને તપાસના આદેશ અપાયા. આ મામલાની તપાસનું સુપરવિઝન કરી રહેલા વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડન્ટ ઉષા રાડાની પ્રાથમિક તપાસમાં વીડિયો નડીયાદ જિલ્લા જેલમાં બન્યા હોવાની વાત સામે આવી છે. તપાસ ટીમે ગુરૂવારે નડીયાદ-બિલોદરા જેલની મુલાકાત લીધી હતી અને વીડિયો કયા-કયા સ્થળે ઉતારવામાં આવ્યા તેની જાણકારી મેળવી હતી. એકાદ દિવસમાં આ મામલાનો સત્તાવાર રિપૉર્ટ જેલોના વડા ડૉ. રાવને સોંપવામાં આવશે.
ક્યાં કેસમાં ભોગવી રહ્યો છે મોન્ટુ નામદાર સજા ?
અમદાવાદ શહેરના ખાડીયા વિસ્તારમાં વર્ષો સુધી જુગારનો અડ્ડો ચલાવી કરોડપતિ બનેલા મોન્ટુ નામદારની જૂન-2022માં ભાજપ કાર્યકર્તાની હત્યા કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. અમદાવાદ જેલમાં ખતરો હોવાનું જણાવી સાતેક મહિનામાં જ મોન્ટુ નામદાર નડીયાદ જિલ્લા જેલમાં પહોંચી ગયો હતો. આ જેલમાં તેને ખાવા-પીવાની અને મોબાઈલ ફોનની સુવિધાઓ મળતી હતી. પેરોલ જમ્પ તેમજ કેદી જાપ્તાને થાપ આપીને નાસી છૂટવાના મામલા મોન્ટુ સામે નોંધાયેલા છે. માર્ચ-2025માં ખેડા પોલીસે નડીયાદ-બિલોદરા જેલમાં સર્ચ કરી મોન્ટુ નામદાર પાસેથી મોબાઈલ ફોન કબજે લઈ ગુનો નોંધ્યો હતો. આ ઘટનાના દસેક દિવસ બાદ નડીયાદ જિલ્લા જેલ અધિક્ષકે મોન્ટુ નામદારને અમદાવાદ સિવાયની હાઈ સિક્યુરિટી ધરાવતી મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવા અમદાવાદની અદાલતમાં રિપૉર્ટ કર્યો હતો.

