(જી.એન.એસ) તા. 4
અમદાવાદ,
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કાંકરિયા લેકના ડેવલોપમેન્ટ બાદ પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે ત્યારે હવે કાંકરિયા ઝૂને પણ વિકસાવવામાં આવશે. 24 કરોડના ખર્ચે ઝૂનું નવીનીકરણ કરાશે. ઝૂમાં પક્ષીઓ અને પ્રાણીઓના પાંજરા મોટા કરાશે. આ ઝૂ બન્યા બાદ હવે પ્રથમ વખત તેનું રિનોવેશન કરવામાં આવશે.
અમદાવાદના કાંકરિયામાં અનેક પક્ષીઓ અને પ્રાણીઓ સહિત જળચળ પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે. સહેલાણીઓ આ ઝૂની સતત મુલાકાત લઈ રહ્યાં છે. તેને જોઈને તંત્ર દ્વારા નોક્ટરનલ ઝૂ તૈયાર કરાયુ હતું. ત્યારબાદ બાલ વાટીકાનું નવીનીકરણ કરાયુ હતું. હવે કાંકરિયા ઝૂનું નવીનીકરણ કરવામાં આવશે. 24 કરોડના ખર્ચે તંત્ર દ્વારા નવીનીકરણની કામગીરી કરાશે. પક્ષીઓ અને જળચર પ્રાણીઓના માટેના હાલમાં રહેલા પાંજરાઓ ખૂબ નાના અને કટાઇ ગયેલી હાલતમાં હોવાથી પાંજરા મોટા કરવામાં આવશે.
તેની સાથે કાંકરિયામાં રોડને રીપેર કરાશે અને રંગરોગાન ચિત્રકામ સહિતના કામો કરી પ્રાણી સંગ્રહાલયનું સુશોભન વધારવામાં આવશે. તાજેતરમાં કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું નામ બદલવામાં આવ્યું હતું. બાલવાટિકાના જૂના ગેટ પર ચાચા નહેરૂ બાલ વાટિકા લખેલું હતું. પરંતું નવિની કરણ કર્યા બાદ બાલ વાટિકાનું નવું નામ બાલવાટિકા ફન કાર્નિવલ કરી દેવામાં આવ્યું હતું.