(જી.એન.એસ) તા. 16
અમદાવાદ,
અમદાવાદ શહેરમાં ગેરકાયદે વસાહતો અને મિલ્કતો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જેમાં ચંડોળા તળાવમાં થોડા દિવસ પહેલા મેગા ડિમોલિશન કર્યા બાદ મેગા ડિમોલિશનનો બીજો તબક્કો 20 મેથી શરૂ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનની એસ્ટેટ ટીમ સાથે ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવશે. તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવા અંગેનો સર્વે શરૂ થઈ ગયો છે. જેમાં ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે.
આ બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે ચંડોળા તળાવમાં આગામી 20 મેના રોજ ફરી ડિમોલિશન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગેરકાયદે તમામ બાંધકામો તોડવામાં આવશે. ચંડોળા તળાવમાં આશરે 10,000 નાનાં-મોટાં કાચાં પાકાં મકાનો અને ઝૂંપડાં છે. વર્ષ 2010 પહેલા ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને વૈકલ્પિક મકાનો આપવા માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યાં છે.
ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને તેમનાં મકાનો ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચંડોળા તળાવમાં જેટલાં પણ મકાનો આવેલાં છે એ તમામ મકાનોનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.એસ્ટેટ વિભાગ દ્વારા જેમ જેમ દબાણ અંગેનો સર્વે થતો જશે અને મકાનો ખાલી હશે એ મુજબ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યારે હાલમાં આ મામલે કામગીરી કરવામાં આવી રહી છે. ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ફરી ડિમોલિશન થશે. ચંડોળા તળાવમાં જેમ જેમ દબાણ દૂર થશે એમ એમ કેટલાક વિસ્તારોમાં બાઉન્ડરી વોલ અથવા ફેન્સિંગ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર અને એસ્ટેટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગના અધિકારીઓને કામગીરી સોંપી દેવામાં આવી છે.
અગાઉ 8 મેએ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ડિસેમ્બર 2010 પહેલા ચંડોળા તળાવમાં રહેતા હોય તેવા સ્થાનિક લોકોને શરતોને આધીન વૈકલ્પિક વ્યવસ્થા આપવા સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના એફોર્ડેબલ હાઉસિંગ ઈન પાર્ટિસિપેશન હેઠળ શરતોને આધીન EWS કેટેગરીનાં મકાનો ફાળવવામાં આવશે.
ચંડોળા વિસ્તારમાં મેગા ડિમોલિશન કરી 4000 કાચાં-પાકાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં, જેમાં જે ઘૂસણખોરો હતા તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. જે ભારતીય લોકો હતા અને તેનાં દબાણો દૂર થયાં છે. તેમાંના જે લોકો 2010 પહેલાં આ વિસ્તારમાં રહેતા હોય તેમને EWSના આવાસ ફાળવવાનો મહાનગરપાલિકાએ સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.
ફોર્મની સાથે અસરગ્રસ્તોએ ઈ.ડબ્લ્યુ.એસ. કેગેટરીના માન્ય આધારભૂત પુરાવાઓ પૈકી બે પુરાવા ફરજિયાત સામેલ કરવાના રહેશે. વૈકલ્પિક વ્યવસ્થાનો લાભ મેળવવા માટે અસરગ્રસ્તો ડિસેમ્બર 2010 પહેલાં ચંડોળા તળાવના વિસ્તારમાં રહેતા હોવાના પુરવાર કરતા દસ્તાવેજો/જરૂરી પુરાવા રજૂ કરવા ફરજિયાત છે. પુરાવાની સાથે તેમની કૌટુંબિક વાર્ષિક આવક રૂા. 3 લાખ કે તેનાથી ઓછી હોવાનું પ્રમાણપત્ર તથા ફોર્મમાં જણાવેલા અન્ય જરૂરી પુરાવાઓ સામેલ કરવાના રહેશે.
ફોર્મ સાથે જરૂરી પુરાવાઓ રજૂ કર્યા બાદ એની ચકાસણી કરી નિયત સમયમર્યાદામાં જરૂરી પુરાવા સાથે ફોર્મ ભરેલા અસરગ્રસ્તોના પુરાવાના આધારે પાત્રતા નકકી કરાવામાં આવશે અને પાત્રતા ધરાવતા અસરગ્રસ્તોને જ આનો લાભ આપવામાં આવશે. અસરગ્રસ્તોની પાત્રતા નક્કી થયા બાદ આવાસની ફાળવણી લેતાં પહેલાં જરૂર જણાયે પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવશે.
દક્ષિણ ઝોનના દાણીલીમડામાં આવેલા ચંડોળા તળાવ કે જેનો કુલ વિસ્તાર 11 લાખ ચો.મી. જેટલો છે. એમાં અંદાજિત 4 (ચાર) લાખ ચોરસમીટર જેટલા વિસ્તારમાં અન-અધિકૃત દબાણ આવેલાં હતાં, જે પૈકી અત્યારસુધીમાં 1.5 લાખ ચો.મી. જેટલા વિસ્તારમાં આવેલાં 4000 જેટલાં કાચાં/પાકાં ઝૂંપડાંનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. હજુ પણ અંદાજિત 2.5 લાખ ચો.મી. જેટલી જગ્યામાં આશરે 10 હજાર કાચાં/પાકાં અન-અધિકૃત દબાણો છે.