હાલમાં દિવાળીનો પર્વ અને વેકેશનને પગલે લોકો અલગ અલગ જગ્યા ઉપર પોતાના વાહનો દ્વારા ફરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આબુ અંબાજી જતા વાહનોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરહદની છેલ્લી ચેકપોસ્ટ છાપરી પોલીસ ચોકી ઉપર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર વધવા પામી છે. જેને લઈને બનાસકાંઠા પોલીસ અને અંબાજી પીઆઇ દ્વારા છાપરી પોલીસ ચોકી ઉપર પોલીસ સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે.
આવતી જતી તમામ ગાડીઓને ચેકિંગ કરવામાં આવી રહી છે. રોજની હજારો ગાડીઓ ગુજરાતમાંથી રાજસ્થાનમાં જઈ રહ્યું છે જ્યારે બીજી તરફ રાજસ્થાનમાંથી ગુજરાતમાં હજારો ગાડીઓ આવતી હોવાથી સુરક્ષાને લઈને પણ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક 24 કલાક આ ચોકી ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
દિવાળી વેકેશનને લઈને આબુ અંબાજી તરફ જતા માર્ગો ઉપર અંબાજીથી આબુરોડ માર્ગ ઉપર સરહદ છાપરી ચેકપોસ્ટ ખાતે તમામ વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનો દ્વારા તમામ ગાડીઓના વાહનોના કાગળો પણ ચેક કરવામાં આવી રહ્યા છે. જેને પગલે વાહનચાલકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
કારણ કે અંબાજી મંદિર ઝેડ કેટેગરીમાં આવતું હોવાથી કોઈ અસામાજિક તત્વ કે ગુંડા તત્વ ગુજરાતમાં પ્રવેશ ન કરે અને કોઈ બનાવ ન બને તેને લઈને પોલીસ હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. કેટલાક નશો કરીને આવતા વાહનો ચાલકોનું આલ્કોહોલ ગન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને દારૂ પીધેલા અને દારૂ લઈને આવેલા વાહનચાલકો સામે કેસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં અહીં બંદૂક ધારી પોલીસ પણ મૂકવામાં આવી છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં હાલમાં વાવ વિધાનસભાની ચૂંટણી હોવાથી આચારસંહિતા કડક અમલમાં બની છે, ત્યારે છાપરી ચેકપોસ્ટ ખાતે ગુજરાત પોલીસ પણ એલર્ટ બની છે.