બોર્ડર રેન્જ ભુજની સાઇબર ક્રાઇમ ટીમે રૂપિયા ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો: રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ લાવી ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ કરાતું હોવાની બાતમી આધારે બોર્ડર રેન્જ ભુજની સાયબર ક્રાઈમની ટીમે ડીસા તાલુકાના આસેડા ગામમાં રેડ કરતા એક બુટલેગરના ઘર આગળ ઉભેલી બોલેરો કારમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો.જોકે બુટલેગર ફરાર થઈ ગયો હતો.
બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષકની સાઇબર ક્રાઇમની ટીમને ડીસા તાલુકાના આસેડા ગામનો બચુજી ગુલાબજી ઠાકોર પોતાના ઘરે દારૂ રાખતો અને વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમના મનજીભાઈ તેમજ નિકુલસિંહ સહિતની ટીમે તપાસ કરતા બચુજીના ખેતરમાં રહેણાંક મકાન આગળ ઉભેલી બોલેરો કારમાં વિદેશી દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી. જેથી કારને ડીસા તાલુકા પોલીસ સ્ટેશનને લાવી તપાસ કરતા અંદરથી 1601 બોટલ જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.જોકે રેડ જોઈ બુટલેગર ફરાર થઈ ગયો હતો.
પોલીસે ફરાર થયેલ બુટલેગર બચુજી ગુલાબજી ઠાકોર સામે ગુનો નોંધ્યો હતો.જ્યારે પોલીસની ટીમે દારૂ અને બિયરની 1601 બોટલ કિંમત 2,50,458 અને બોલેરો કાર કિંમત રૂ. 1,50,000 મળી કુલ રૂપિયા 4,00,958 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.