જૂથ અથડામણ પાછળ વર્ચસ્વની લડાઈ, બેરોજગારીએ વધાર્યું ગુજરાતીઓ-પરપ્રાંતીયો વચ્ચે અંતર

અમદાવાદઃ 3 ઓક્ટોબરની રાત્રે શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું. હિંમતનગરના ઢુંઢર ગામે ઠાકોર સમાજની બાળકી પરની દુષ્કર્મની ઘટનાને પગલે ભાવિક સ્કૂલની નજીક ઠાકોર સમાજ અને પ્રરપ્રાંતીયો વચ્ચે તીવ્ર ઘર્ષણ થયું હતું. જેને પગલે ઠાકોર સમાજના યુવાનો ખુલ્લી તલવારો સાથે ચાંદલોડિયા શાક માર્કેટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આંતક મચાવી લારીઓની તોડફોડ કરી હતી. આ દરમિયાન ઠાકોરોના ટોળાઓએ પરપ્રાંતિયોના ઘરમાં ઘુસી તલવારથી હુમલો કર્યો હતો. આ સિવાય ગાંધીનગર શહેર, જિલ્લામાં કેટલાક સ્થળોએ પરપ્રાંતિય કામદારોને હાંકી કાઢવા માટે ફેક્ટરી માલિકોને ચીમકી આપવાની સાથે પરપ્રાંતિયોને પોતાના વિસ્તારમાંથી ઉચાળા ભરી લેવા માટે સ્થાનિકોએ જણાવ્યુ હતું. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, આ ઘટના પાછળ ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે રોજગારીને લઈને ચાલ્યો આવતો સંઘર્ષ પણ જવાબદાર છે.
 
મુંબઈની જેમ હવે અમદાવાદમાં પણ પરપ્રાંતીય અને ગુજરાતીઓ વચ્ચે રોજગારીના મુદ્દે સતત સંઘર્ષ જોવા મળી રહ્યો છે. રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં રોજ અન્ય રાજ્યમાંથી રોજગારી માટે સેંકડો લોકો આવે છે. આ લોકો ગુજરાતીઓ કરતા પણ ઓછી મજૂરીએ કોઈ પણ કામ કરવા તૈયાર થઈ જાય છે. જેને કારણે સ્થાનિક મજૂરોને બેરોજગારીનો સામનો કરવો પડે છે. આથી ઘણીવાર ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે સંઘર્ષની ઘટનાઓ બનતી રહે છે. જેને પગલે આ ઝઘડો મારામારી કે હત્યા સુધી પણ પહોંચી જાય છે.
 
અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટ જેવા મહાનગરો જ નહીં, આજે કૃષિના ક્ષેત્રમાં ગામડે ગામડે યુ.પી. કે મધ્યપ્રદેશના લોકો ખેતરમાં કામ કરતા જોવા મળે છે. વેપાર અને ટ્રાન્સપોર્ટ તેમજ પાણી-પુરી કે ૫કૌડીથી લઇને ખાણી-પીણીની નાની-મોટી હોટલમાં વિવિધ રાજ્યના લોકો કામ કરે છે. પરપ્રાંતથી આવેલા મજૂરો સ્થાનિક મજૂરોની તુલનાએ ઓછી મજૂરીએ અને સારું કામ કરતા હોવાની છાપ છે.હાલ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવેલા મજૂરો કપાસ વીણવાના 1 કિલોના રૂા. 6થી 8 લે છે પણ કામ સારું કરે છે. આમ મજૂરી મામલે પરપ્રાંતીય મજૂરોની બોલબાલા વધી ગઈ છે.
 
ગાંધીનગરના સેક્ટર-24માં પરપ્રાંતીયોને ઘરે જઈને તેમના વતન પાછા ફરી જવા ચીમકી અપાઈ હતી. દહેગામ અને આસપાસની ખાનગી ફેક્ટરીઓમાં ઘૂસી ગયા હતા. તેમણે પરપ્રાંતીય કામદારોને ફેક્ટરીમાંથી બહાર કાઢી મૂકવા પ્રયાસ કર્યો હતો, જેના કારણે ઘર્ષણ અને મારા-મારીના દૃશ્યો સર્જાયા હતા.
 
દહેગામ તાલુકાના લિહોડામાં ગ્રામજનોએ ઢોલ-નગારાં વગાડી પરપ્રાંતીય કામદારોને પોતાનું ગામ છોડી દેવા ચીમકી આપી હતી. દહેગામ અને રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં સ્થિતિ વધુ વણસવાનું જોખમ હોવાથી પોલીસ અને એસઆરપી ખડકી દેવાઈ હતી અને 10 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
 
આમ, એક ગંભીર અને નિંદનીય ઘટનામાં આરોપી સામે નિષ્પક્ષ અને પોલીસ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ચિંતાજનક ઘટનાક્રમ બન્યાં છે. જો કે, રાજ્યના ઉચ્ચ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, એક સમાજના લોકોને ભડકાવવાની ચેષ્ટાથી રાજ્યની શાંતિ જોખમાવનારાં સામે કડક કાર્યવાહી કરાશે.
 
થોડા દિવસ પહેલા સાબરકાંઠાના ઢુંઢર ગામે 14 માસની બાળકી સાથે દુષ્કર્મ કરવાની ઘટનાને પગલે ચાંદલોડીયામાં હિન્દીભાષીઓ અને સ્થાનિકો વચ્ચે જુથ અથડામણ થઈ હતી. આ ઘટનાને કારણે ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે કડવાશ આવી રહી છે. આ દુષ્કર્મની ઘટનાના પડઘા સાબરકાંઠાથી લઈ મહેસાણા અને અમદાવાદમાં પડી રહ્યા છે. એક વ્યક્તિના દુષ્કૃત્યનું પરિણામ હવે તમામ પરપ્રાંતીય લોકોએ ભોગવવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં મહેસાણામાં આરોપીને કડક સજાની માંગ સાથે યુવા ક્ષત્રિય સેનાના કાર્યકરોએ શહેરમાં પરપ્રાંતીય 70 થી વધુ પાણીપુરીની લારીઓ બંધ કરાવીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.