02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / છુટાછેડા બાદ યુવક-યુવતીએ ઝેર પીધું અને હાથની નશો કાપી, યુવતીનું મોત, યુવક ગંભીર હાલતમાં

છુટાછેડા બાદ યુવક-યુવતીએ ઝેર પીધું અને હાથની નશો કાપી, યુવતીનું મોત, યુવક ગંભીર હાલતમાં   04/10/2018

અમદાવાદ: શહેરના રિલીફરોડ પર આવેલી કિનારા ઇન હોટલમાં સુરતનાં યુવક-યુવતીએ ઝેરી દવા પી લઇ તેમજ હાથની નસો કાપી નાખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સારવાર દરમ્યાન યુવતીનું મોત થયું હતું જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
 
આ અંગેની વિગત એવી છે કે સુરતના વરાછા રોડ પર આવેલા અટલજીનગરમાં દિનેશભાઇ મનજીભાઇ સોલંકી (વણકર)નો પરિવાર રહે છે. દિનેશભાઇની સૌથી મોટી પુત્રી નયના ખાનગી સ્કૂલમાં નોકરી કરતી હતી. દરમ્યાનમાં સુરતના યોગેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતી જયશ્રીબહેન પટેલ નામની મહિલાના સંપર્કમાં નયના આવી હતી.
 
જયશ્રીબહેન પટેલે નયનાના પરિવારજનોની જાણ બહાર નયના અને તેની બીજી બહેન આરતીનાં લગ્ન કરાવી દીધાં હતાં. બે દીકરીઓ ગૂમ થઇ જતાં પરિવારજનોએ વરાછા પોલીસ સ્ટેશને જાણ કરી હતી. થોડા દિવસ બાદ બંને દીકરીઓએ લગ્ન કરી લીધાં હોવાની જાણ થઇ હતી.
 
દરમ્યાનમાં નયનાના કામરેજના ઓમ ટાઉન‌િશપમાં રહેતા ઘનશ્યામભાઇ કાછડિયાના પુત્ર રવિ સાથે લગ્ન થયાં હોવાની માહિતી મળતાં દિનેશભાઇના પરિવારજનો તેની ખબર પૂછવા સાસરીમાં ગયા હતા. જ્યાં નયનાના સાસરિયાઓને જાણ થઇ હતી કે નયના દલિત સમાજની યુવતી છે. આ બાબતથી નારાજ થઇ તેઓએ નયનાને રવિને છૂટાછેડા આપવા દબાણ કરતા હતા.
 
દરમ્યાનમાં રવિ અને નયનાના રર સપ્ટેમ્બરના રોજ છૂટાછેડા થઇ ગયા હતા. મંગળવારે સવારે નયનાના પરિવારજનોને કાલુપુર પોલીસે જાણ કરી હતી.
 
નયનાબહેને એક યુવક સાથે રિલીફરોડ પર આવેલી કિનારા ઇન હોટલમાં ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો છે, જેથી પરિવારજનો તાત્કા‌િલક અમદાવાદ આવી પહોંચ્યા બાદ જાણવા મળ્યું હતું કે રવિ અને નયના મંગળવારે કિનારા ઇન હોટલમાં રોકાયા હતા અને સાંજના સમયે ઝેરી દવા પી લઇ પોતાની હાથની નસો કાપી નાખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં નયનાનું સારવાર દરમ્યાન મોત થયું હતું જ્યારે રવિની હાલત ગંભીર છે.
 
નયનાએ પોતાના ડાઇંગ ડેકલેરેશનમાં જણાવ્યું હતું કે તેના લગ્ન કરાવનાર જયશ્રીબહેન પટેલ અને તેનાં સાસુ-સસરા છૂટાછેડા આપવા વારંવાર ત્રાસ આપતા હતા, જેથી નયનાએ રવિને છૂટાછેડા આપી દીધા હતા.

Tags :