ખાડિયાના મ્યુનિસિપલ પ્લોટનો કબજો મેળવવામાં તંત્રને સાત વર્ષ લાગ્યાં

મ્યુનિસિપલ કોર્પોરેશનની સોનાની લગડી જેવી કીમતી જમીનમાં એક અથવા બીજા પ્રકારનાં દબાણ થવાની બાબત આમ તો બહુ જૂની છે, તેમાં પણ સ્થાનિક એસ્ટેટ વિભાગ કે અન્ય લોકોની મિલીભગતથી વર્ષો સુધી આવાં દબાણ હટતાં નથી, પરંતુ ગીચ વસ્તી ધરાવતા શહેરના કોટ વિસ્તારમાં એક તો બગીચો, કોમ્યુનિટી હોલ જેવી નાગરિકલક્ષી સુવિધા પૂરી પાડવા એક તરફ પ્લોટનો અભાવ છે તો બીજી તરફ અનેક પ્લોટ દબાણગ્રસ્ત છે, જોકે ખાડિયા વોર્ડમાં દબાણગ્રસ્ત પ્લોટનો કબજો પરત લેવા માટે છેક વર્ષ ર૦૧૧માં હાઇકોર્ટ દ્વારા તંત્રને આદેશ કરાયો હતો તેમ છતાં સાત વર્ષ બાદ ગયા સોમવારે આ પ્લોટનો મ્યુનિસિપલ સત્તાવાળાઓ કબજો લઇ શકયા છે. ખાડિયાના મ્યુનિસિપલ પ્લોટનો કબજો મેળવવામાં તંત્રને સાત-સાત વર્ષ લાગતાં આ સમગ્ર બાબત ભારે વિવાદાસ્પદ બની છે.
ખાડિયા વોર્ડના કાલુપુર દરવાજાની જમણી તરફ આશરે પ૦૦૦ ચોરસ ફૂટ દબાણગ્રસ્ત પ્લોટનો કબજો પરત મેળવવા તંત્ર દ્વારા બે જેસીબી મશીન, બે ડમ્પર અને મજૂરોની મદદથી ર૩ પાકાં અને ૧૧ કાચાં એમ કુલ ૩૩ કોમર્શિયલ દબાણને દૂર કરીને આશરે પ૦૦૦ ચો.ફૂટ જગ્યાને ખાલી કરાવાઈ હતી, જોકે તંત્રની આ કામગીરી વિવાદાસ્પદ બની છે.
 
આ મામલે સ્થાનિક કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ભાવનાબહેન નાયકે એવો આક્ષેપ કર્યો છે કે બાબુ લઠ્ઠા નામની વ્યક્તિએ વર્ષોથી આ પ્લોટમાં અંડિગો જમાવીને ગેરકાયદે શેડ, દુકાન, મકાન સહિતના દબાણ ઊભાં કર્યાં હતા.
 
આ વ્યક્તિની બાર મહિનાની માત્ર ભાડાની આવક રૂ.૩.પ૦ લાખ હતી. આમાં એક વખત વર્ષ ર૦૦૬માં હાઇકોર્ટમાં કેસ જીતી ગયા હતા. ત્યારબાદ લીટીગેશન થતાં વર્ષ ર૦૧૧માં ફરીથી તંત્રની તરફેણમાં હાઇકોર્ટનો ચુકાદો આવ્યો તેમ છતાં આશરે પાંચ કરોડની કિંમત ધરાવતા આ પ્લોટનો તત્કાળ કબજો લેવાના મામલે સત્તાવાળાઓ જાગ્યા ન હતા.
 
છેલ્લ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આ મુદ્દો ગાજ્યો હતો. ત્યારબાદ મીડિયાને માહિતી આપતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ અને મ્યુનિસિપલ ભાજપના નેતા અમિત શાહે જણાવ્યું હતું કે આ પ્લોટને ખાલી કરાયો હોઇ હવે ત્યાં પે એન્ડ પાર્ક બનાવશે.
 
જોકે હજુ પણ પ૦ વર્ષ જૂની ૩૦ રહેણાક મિલકતોને ખાલી કરાવાઇ નથી આ મામલે તંત્રનો લૂલો બચાવ કરતાં મધ્ય ઝોનના એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઇ કહે છે, હાઇકોર્ટ દ્વારા જૂની નો‌ટિસ સહિતની કાનૂની પ્રક્રિયાને રદ કરીને નવસરથી નો‌ટિસ, હિયરીંગ વગેરેની સૂચના અપાતાં આમાં વિલંબ થયો છે. આ સ્થળેથી ગોડાઉન, રેસ્ટોરાં સહિતના કોમર્શિયલ દબાણ દૂર કરાયાં હોઇ હવે ૩૦ રહેણાક મિલકતો ખાલી કરાવવા માટે ટૂંક સમયમાં તંત્ર દ્વારા નો‌ટિસ ફટકારાશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.