02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / જાહેરમાં થઈ રહી છે પાણીની ચોરી ગાંધીનગર-અમદાવાદ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી

જાહેરમાં થઈ રહી છે પાણીની ચોરી ગાંધીનગર-અમદાવાદ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી   07/10/2018

રાજ્ય સરકારે નર્મદા કેનાલમાંથી પાણી ચોરી અટકાવવા માટે પોલીસને મેદાનમાં ઉતારી છે. કેનાલના કિનારા પર એસઆરપીનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પરંતુ રાજ્ય સરકાર પાણી ચોરી ગાંધીનગર જિલ્લામાં જ અટકાવી શકી નથી. ગાંધીનગર અમદાવાદ વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની આજુબાજુ જેટલા પણ ગામો આવેલા છે તે તમામ ગામોમાં કેનાલના કિનારે આવેલા ખેતરોમાં પાણીની વર્ષોથી ચોરી થાય છે અને સરકાર આ પાણી ચોરીને અટકાવી શકી નથી.
 
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થવાના કારણે મોટાભાગના જીલ્લાઓમાં ખેડૂતોનો પાક સુકાઇ રહ્યો છે અને હવે પાણીની તંગી પણ ઉભી થવાથી શિયાળુ પાક ઉપર પણ પાણી તંગીની અસર વર્તાવાની શક્યતા છે. રાજ્ય સરકાર કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલનું પાણી પહોંચાડવા માટે એડિચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં નર્મદા કેનાલમાંથી પાણીની મોટાપાયે ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેને સરકારને પત્ર લખ્યા બાદ એસઆરપીનો બંદોબસ્ત શરુ કરાયો છે. પરંતુ પાણીની કેનાલમાંથી થતી પાણીની ચોરી હજુ અટકતી નથી.
 
અમદાવાદ-ગાંધીનગર વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની આસપાસ ઘણા બધા ગામો આવેલા છે. આ ગામોની બંને બાજુના કિનારા વિસ્તારમાં ખેતરો આવેલા છે. દસ ફૂટના અંતરે કેનાલ આવેલી હોવા છતાં કેનાલને અડીને આવેલા ખેતરોમાં પાણી મળતુ નથી. તેના કારણે આ ખેત માલિકોને કેનાલમાંથી પાણીની ચોરી કરવી પડે છે. આ ખેત માલિકો તેમના ખેતરના કેનાલને અડીને આવેલા ભાગમાં પમ્પ મુકીને તેની પાઇપ જમીનની અંદરથી બાકોરુ પાડીને કેનાલમાંથી પાણીની ચોરી કરવામાં આવે છે. નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી આવવાની શરુ થઇ ત્યારથી આ પાણી ચોરી થાય છે. પરંતુ આ પાણી ચોરી અટકાવી શકાઇ નથી.

Tags :