ખેડબ્રહ્મા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

 ખેડબ્રહ્મા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ
 
 
ખેડબ્રહ્મા 
 સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજજવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગ સ્વરૂપે પ્રતિવર્ષ ૯ ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુકત રાષ્ટ્રો દ્વારા જાહેર કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજય સરકાર દ્વારા આદિજાતિ લોકોના સંવાર્ગી વિકાસ માટે થયેલા કામોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિ લોકો માટે વનબંધુ કલ્યાણની શરૂઆત કરી તેમણે સમાજના આગલી હરોળમાં લાવવાનું કામ કર્યુ છે.  
વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે અગાઉ મેડિકલના ઉચ્ચ અભ્યાસ માટે ૧હજાર જેટલી જૂજ બેઠકો હતી. તેની સામે આજે બેઠકો વધારીને ૪૫૦૦ જેટલી મેડીકલ બેઠકો થઇ છે જેના થકી આદિવાસી બાળકો તબીબી જ્ઞાન લઇ રહ્યા છે.  તો વળી રાજય સરકારમાં વિવિધ વિભાગોમાં૮૦ હજારની નોકરીની જાહેરાત કરવામાં આવી જેમાં અનામતના ધોરણે આદિવાસી લોકોને નોકરી આપવામાં આવી છે. તેમણે બાળકોને શહેરમાં અભ્યાસ માટે રહેણાંકની મુશ્કેલી ઉભી ન થાય તે માટે સમરસ છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જયારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે હિંમતનગરથી પવિત્ર યાત્રાધામ અંબાજીને જોડતા ચારમાર્ગીય રસ્તા તથા ખેડબ્રહ્મા અને વડાલી રેસ્ટ હાઉસ તથા અન્ય ગામોને જોડતા રસ્તાઓ મળી કુલ રૂ. ૨૦૦ કરોડના વિકાસના કામોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું .આ ઉપરાંત મીઠીબેલી ગામે રૂ ૧ કરોડના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તરૂણી-કિશોરીઓને આરોગયની જાણકારી આપતી હા બોલ સાથિયા કોફિ ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મા અંબાજીના દર્શન કરી માતાજીના શુભાશિષની અર્ચના કરી હતી. ત્યારબાદ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ તેના તમામ વોર્ડનું નિરીક્ષણ કર્યુ હતું. 
આંતરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશનના ચેરમેન રાજેશભાઇ પાઠક, ધારાસભ્ય સર્વ અશ્વિનભાઇ કોટવાલ, રાજેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રમીલાબેન બારા,  જિલ્લા સમાહર્તા શ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણ, જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલિક, જિલ્લા અગ્રણી અશોક જોષી, તખતસિંહ હડિયોલ, જેઠાભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.       
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.