શટલ રિક્ષાઓ સામે હવે તવાઈ 100થી વધુ રિક્ષા ડિટેઈન કરાઈ

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના ટ્રાફિક મુદ્દે કડક વલણ બાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનને લઇ કડક કામગીરી કરવામાં આવી રહી છે. હેલ્મેટ વગર, આડેધડ પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયમન મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવાઇ રહી છે ત્યારે હવે શહેરમાં ચાલતી શટલ રિક્ષાઓ પર ટ્રાફિક પોલીસે તવાઇ શરૂ કરી છે.

 

ટ્રાફિક પોલીસ દ્વારા આજે શહેરના ર૬ ટ્રાફિક પોઇન્ટ પર શટલ રિક્ષા વિરુદ્ધ કેસ કરવા અંગેની ડ્રાઇવ યોજાઇ છે. પોલીસે શહેરના નારોલ, હેલ્મેટ ચાર રસ્તા, સિવિલ હોસ્પિટલ, એસ.ટી. બસસ્ટેન્ડ, થલતેજ ચાર રસ્તા, ગોતા બ્રિજ, ઇસ્કોન સર્કલ સહિતના વિસ્તારોમાં શટલરિક્ષાચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમનના ભંગ મુદ્દે કેસો કરી રિક્ષાઓ જપ્ત કરી હતી.

 

શહેરમાં ટ્રાફિક સમસ્યામાં શટલરિક્ષાચાલકોના બેફામ પાર્કિંગના કારણે લોકો અને વાહનચાલકો હેરાન-પરેશાન થતા હોવાથી આવા રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવા આજે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શટલરિક્ષાનું પ્રમાણ વધુ હોય તેવા ર૬ વિસ્તારમાં પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે.

 

પોલીસે જે રિક્ષાચાલકો લાઇસન્સ-કાગળો-બેઝ ન ધરાવતા હોય તથા ક્ષમતાથી વધુ પેસેન્જર બેસાડેલા હોય, રિક્ષા મોડીફાઇ કરેલી હોય તેમની સામે કાર્યવાહી કરી હતી.

 

પોલીસે આવા તમામ રિક્ષાચાલકોને આરટીઓનો મેમો આપી રિક્ષાઓ જપ્ત કરી લીધી હતી. શહેરના હેલ્મેટ ચાર રસ્તા, ઉમિયા હોલ, અખબારનગર સર્કલ, રિલીફરોડ, રૂપાલી સિનેમા, કાલુપુર સર્કલ, શાહપુર, મેમ્કો ચાર રસ્તા, સાબરમતી પાવરહાઉસ સર્કલ, નરોડા પાટિયા, નોબલનગર, અ‌િજત મિલ ચાર રસ્તા, સીટીએમ ચાર રસ્તા, વિશાલા સર્કલ, ઓઢવ રિંગરોડ, મણિનગર રેલવે સ્ટેશન, જશોદાનગર બસ સ્ટેશન, ઉજાલા સર્કલ સહિતના વિસ્તારમાં ડ્રાઇવ યોજી હતી.

આજની ટ્રાફિક ડ્રાઇવમાં પોલીસે અંદાજે ૧૦૦થી વધુ રિક્ષાઓ જપ્ત કરી રિક્ષાચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં અનેક રિક્ષાચાલકો લાઇસન્સ વગર રિક્ષા ચલાવતા હોય છે. ઉપરાંત ૧૮ વર્ષથી નીચેની વયના છોકરાઓ પણ શટલ રિક્ષા ભાડે ચલાવતા હોય છે.

 

તાજેતરમાં પોલીસ દ્વારા રિક્ષાચાલકો વિરુદ્ધ ટ્રાફિક નિયમન મુદ્દે કેસ કરાયા હતા, જેમાં અનેક રિક્ષાચાલકો પાસે રિક્ષાના કાગળો ન હતા તેમજ તેના માલિકો કોણ છે વગેરેની માહિતી ન હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી પોલીસે આવા રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવા ટ્રાફિક ડ્રાઇવ યોજી છે. આજની આ ટ્રાફિક ડ્રાઇવમાં ૧૮૦થી વધુ ટ્રાફિક પોલીસના જવાનો અને સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.