રાધનપુરમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ગટરના પાણીથી લોકો ત્રાહિમામ

 
 
 
રાધનપુર
 રાધનપુર શહેરમાં રાજગઢી પાસે ગટરના ગંદા પાણી ઉભરાઈને જાહેર માર્ગ ઉપર આવે છે અને છેક પટણીગેટ સુધી આ પાણી રેલાતા હોવાથી વેપારીઓ અને રાહદારીઓ ઉપરાંત આજુબાજુના રહીશો પણ છેલ્લા એક વર્ષથી ત્રાહિમામ પોકારી ગયા છે,જો કે પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર ના જણાવ્યા મુજબ રાજગઢીથી નવીન ગટરની કામગીરી થોડાક સમયમાં જ શરુ કરવામાં આવનાર છે.
 અઠવાડિયામાં બે વાર જયારે પણ પીવાનું પાણી નગરપાલિકા દવારા છોડવામાં આવે છે ત્યારે શહેરના મુખ્ય ગણાતા એવા રાજગઢી ચોક પાસે અંડરગ્રાઉન્ડ ગટરના ચેમ્બરમાંથી ગટરના ગંદા પાણી ધોધની માફક બહાર નીકળે છે અને છેક પટણીગેટ સુધી જાહેરમાર્ગ ઉપર રેલાય છે ત્યારે વાહનચાલકોએ પોતાનું વાહન ક્યાં ચલાવવું એ સવાલ થઇ પડે છે,જયારે રાહદારીઓ માટે તો રસ્તા ઉપર ચાલવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આ જ માર્ગમાં પ્રાથમિક શાળા તેમજ મુસ્લિમ સમાજની મસ્જિદ પણ આવેલી છે.જયારે પણ રસ્તા ઉપર પાણી આવે છે ત્યારે ગંદા પાણીમાં થઈને મુસ્લિમ સમાજના બિરાદરોને નમાજ પઢવા જવું પડે છે,જેના કારણે કચવાટની લાગણી જોવા મળે છે.આ ઉપરાંત પ્રાથમિક શાળા આવેલી હોવાથી નાના ભૂલકાઓ માટે ક્યારેક આ ગંદા પાણીના કારણે અકસ્માત થવાનો ભય સતાવતો હોય છે. જયારે આજુબાજુના રહીશો પણ ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે, અવાર-નવાર રજૂઆતો કરવા છતાંય આજદિન સુધી ગટરના ગંદા પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. ગત વિધાન સભાની અને નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આ રસ્તા ઉપરથી નીકળ્યા ત્યારે ખુદ આવી પરિસ્થિતિ જોઈને હેરાન રહી ગયા હતા,અને જાહેરમાં પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે રાધનપુરના લોકો આવી બદતર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.પોતે ચૂંટાઈને આવશે અને નગરપાલિકામાં કોંગ્રેસની બોડી બનશે તો લોકોને આવી બદતર પરિસ્થિતિમાંથી પોતે છુટકારો અપાવશે તેમ જણાવ્યું હતું, પરંતુ અલ્પેશ ઠાકોરને હવે ચૂંટાયા બાદ રાધનપુર શહેરના લોકોની બદતર પરિસ્થિતિ જોવાનો સમય પણ નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.