સુક્ષ્મ સિંચાઇના ઉપકરણોમાં સબસીડી ફરી બંધ કરવાનો નિર્ણય : ખેડૂતોમાં ઉહાપોહ

 
 
 
 
              ગુજરાતના બનાસકાંઠા સહિત અન્ય વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તરમાં ચિંતાજનક હદે થઇ રહેલા ઘટાડા વચ્ચે કૃષિ ક્ષેત્રે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ ખૂબ અનિવાર્ય બની ગયો છે.આવી સ્થિતિમાં રાજ્ય સરકારે અગાઉ સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિના ઉપકરણો વસાવવા માટે ધરતીપુત્રોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે સબસિડીની પ્રોત્સાહક યોજના અમલી બનાવતાં સુક્ષ્મ સિંચાઈનો વ્યાપ વધવા માંડ્‌યો હતો.જોકે રાજ્ય સરકારે સબસિડીની આ યોજનાનો અમલ સ્થગિત કરી દીધા બાદ ખેડૂતો અને વિવિધ ખેડૂતલક્ષી સંગઠનોની ઉગ્ર રજૂઆતોના પગલે થોડા સમય પૂર્વે રાજ્ય સરકારે સુક્ષ્મ સિંચાઇના ઉપકરણોમાં સબસિડીની યોજનાનો અમલ  ફરી શરૂ કર્યો હતો.જોકે ગતરોજથી રાજ્ય સરકાર હસ્તકની જી.જી.આર.સી. કંપનીએ સુક્ષ્મ સિંચાઇના ઉપકરણોની ખરીદીમાં સબસિડીની યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોની અરજીઓ સ્વીકારવાનું બંધ કરવાનો આદેશ જારી કર્યો હોવાના અહેવાલોના પગલે બનાસકાંઠા સહિત ગુજરાતભરના ખેડૂતો લાલઘૂમ થઈ ગયા છે.
 ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઇ માટે પાણીની માંગને પહોંચી વળવા રાજ્યના ખેડૂતોને સુક્ષ્મ સિંચાઇના ઉપકરણોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના આશયથી સુક્ષ્મ સિંચાઇના ઉપકરણો વસાવવા ઇચ્છુક ખેડૂતોને સબસીડીનો લાભ આપી પ્રોત્સાહન પૂરું પાડવાનો અગાઉ રાજ્ય સરકારે આવકાર્ય ખેડૂતલક્ષી નિર્ણય લેતા રાજ્યભરના ખેડૂતો હરખાઈ ઉઠ્‌યા હતા અને સબસીડીનો લાભ શરૂ થયા બાદ સુક્ષ્મ સિંચાઇના ઉપકરણોનો વપરાશ પણ ઉત્તરોત્તર વધવા માંડ્‌યો હતો. જોકે થોડા સમય પૂર્વે કોઈ કંપનીની ટેક્નિકલ ક્ષતિના પગલે રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીએ એકાએક આ યોજનાનું અમલીકરણ સ્થગીત કરી દેતા રાજ્યવ્યાપી ઉહાપોહ સર્જાયો હતો. જોકે આ મામલે ખેડૂતો તેમજ વિવિધ ખેડૂતલક્ષી સંગઠનોએ આકરો વિરોધ નોંધાવતા રાજ્ય સરકારે વીસેક દિવસ પૂર્વે જ આ સબસીડી યોજનાનો અમલ પૂનઃ શરૂ કરાવ્યો હતો પરંતુ આ યોજનાના અમલીકરણમાં ફરી સરકારને વાંકુ પડ્‌યું છે અને ગતરોજથી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીએ સુક્ષ્મ સિંચાઇના ઉપકરણોની ખરીદી કરતા ખેડૂતોની સબસીડી માટેની અરજીઓનો સ્વીકાર ફરી બંધ કરી દીધો હોવાના અહેવાલો બહાર આવતા બનાસકાંઠા સહિત રાજ્ય ભરના ખેડૂતોમાં ફરી આ મામલે ઉહાપોહ સર્જાયો છે અને રાજ્ય સરકારના આ વધુ એક ખેડૂત વિરોધી નિર્ણયથી જગતનો તાત ખફા થઈ ઉઠ્‌યો છે.
ગુજરાતના સરહદી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે સુક્ષમ સિંચાઇના ઉપકરણો પર સબસિડીની યોજના ખૂબ ઉપયોગી અને આશીર્વાદરૂપ પુરવાર થઇ રહી છે. જોકે હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં માંડ ૪૦ ટકા ખેડૂતો જ સુક્ષમ સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરતા થયા છે ત્યારે બાકીના ૬૦ ખેડૂતોને પણ સુક્ષમ સિંચાઇ પદ્ધતિના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરી પાણીના બચાવ માટે  વધુ પ્રોત્સાહન પૂરું પડવાની જરૂર વર્તાઈ રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.