આધારકાર્ડ અપડેટ કરાવવા વિદ્યાર્થીઓ સહિતના અરજદારોનો ભારે ધસારો; રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડનું કે.વાય.સી કરાવવાનું ફરમાન જારી કરાયું છે. જેને લઈને આધારકાર્ડ અપડેટ કરાવવા માટે પાલનપુર જન સેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી છે. જોકે, તંત્રની અણ આવડતને કારણે લાંબી કતારો લાગતા અરજદારો છેલ્લા એક અઠવાડિયાથી ધરમ ધક્કા ખાઈ હેરાનગતિ ભોગવી રહ્યા છે.
પાલનપુર જન સેવા કેન્દ્રમાં હાલમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી લાઈનો વચ્ચે ભારે અવ્યવસ્થા અને ધક્કામુક્કી જોવા મળી રહી છે. આધાર અપડેટ કરાવવા વિદ્યાર્થીઓ જન સેવા કેન્દ્રમાં આવે છે. પરંતુ કાઉન્ટર વધુ ન હોઈ અરજદારો નો ભારે ધસારો જોતા મોટાભાગ ના અરજદારોને ચારથી પાંચ દિવસના ધરમ ધક્કા ખાવા છતાં તેઓનું આધાર કાર્ડ અપડેટ થયું ન હોવાનો બળાપો વાલીઓએ ઠાલવ્યો હતો.
જોકે, જન સેવા કેન્દ્રમાં ભારે ધસારા વચ્ચે અવ્યવસ્થા સર્જાતી હોઈ સવારે 6 વાગ્યાથી આવેલા અરજદારોને પણ ન્યાય મળતો નથી. શાળા કોલેજના વિદ્યાર્થી ઓ અભ્યાસ બગાડીને લાઈનમાં ઉભા રહે છે. છતાં ટોકન ન મળતા તેમનું કામ થતું ન હોઈ તેઓ વધુ સારી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. જન સેવા કેન્દ્રમાં દિવસના મર્યાદિત ટોકન જ આપવામાં આવતા હોઈ આજે તો રીતસરની પડાપડી, ધક્કામુક્કી અને ભારે હંગામા વચ્ચે અવ્યસ્થા સર્જાઈ હતી. ત્યારે તંત્ર વધુ કેન્દ્રો ખોલી લોકોને હાલાકીમાંથી છુટકારો અપાવે તેવી માંગ ઉઠી છે.