શિયાળાની કાતિલ ઠંડીના પગલે ચોર ટોળકી સક્રિય
રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ: શિયાળાની ઠંડીના પગલે ચોર ટોળકી સક્રિય બની હોય તેમ ગત રાત્રે ભાભરના વાવ રોડ પર આવેલ અયોધ્યા નગર સોસાયટીમાં ત્રણ મકાનોના તાળા તૂટ્યા હતા.જેમાં એક ગલાલભાઈ દેસાઈના મકાનના તાળા તૂટતા ઘર વખરીનો સામાન વેર વિખેર જોવા મળ્યો મળ્યો હતો અને પેન્ડલ લકી સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. બાલાજી નગર સોસાયટીની સામે ગોગા મહારાજના મંદિરે પણ દાન પેટી તોડવામાં આવી હતી તેમજ બાલાજી નગરના ગેટ પાસે ઈશ્વરભાઈ હેમજીભાઈ ઠાકોરના પાર્લરના તાળા તોડી 4000 રૂ. જેટલી રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ તેમજ શારદાબેન ઠાકોરના પાનના ગલ્લાના કેબિનના તાળા તોડી રૂ.1500 ની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે.
આમ એક જ રાતમાં 6 જગ્યાએ ચોરીના બનાવ બનતા ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે આ બાબતની કોઈ જ ફરિયાદ નોંધાઈ નથી.જેને લઇ પોલીસની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે ચોર ટોળકી સક્રિય થતા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની લોકોએ માંગ કરી હતી.