પાલનપુરના એગોલા રોડ પર વધુ એક ગઠિયો કળા કરી ગયો
એક્ટિવા સવાર બે ઇસમોએ કાળો જાદુ કરી મહિલાના દાગીના સેરવી લીધા; પાલનપુરના એગોલા રોડ પર પસાર થઇ રહેલી એક મહિલાને અજાણ્યા બે એક્ટિવા સવાર ઇસમોએ રસ્તામાં રોકી તેમને વાતોમાં ઉલજાવી દેતા મહિલાએ પહેરેલા સોનાના દાગીના હાથો હાથ ગઠિયાઓને આપી દીધા હતા. જેના થોડા સમય બાદમાં મહિલા પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થતા આ મામલે પોલીસને જાણ કરવામા આવી હતી.
પાલનપુર પંથકમા કાળો જાદુ કરીને લોકોને ઠગતી ટોળકી સક્રિય બની છે. તાજેતરમાં પાલનપુરના રતનપુર નજીક અજાણ્યા ઈસમોએ પરખડી ગામના એક ગૃહસ્થ અને પાલનપુરના અમદાવાદ હાઇવે પર એક વૃદ્ધાને રસ્તો પૂછવાના બહાને તેમના દાગીના સેરવી લીધા હતા. આજ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે જેમાં પાલનપુરના એગોલા રોડ પર આવેલ આકાશ બંગ્લોજમાં રહેતા શારદાબેન દોલતભાઈ માળી સવારે મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા.તે દરમ્યાન રસ્તામાં અજાણ્યા બે ઈસમોએ તેમને રોકી વાતોમાં ઉલઝાવતા મહિલા તેમની વાતોમાં આવી જઈને તેમને પહેરેલા સોના દાગીના અજાણ્યા ગઠિયાઓને આપી દેતા તેઓ રફુચક્કર થઈ ગયા હતા.
બાદમાં મહિલા અજાણ્યા ઇસમોના હાથે છેતરાઈ હોવાનો અહેસાસ થતા બનાવ અંગે પશ્ચિમ પોલીસમાં અરજી આપવામાં આવી હતી. જોકે આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ સામે આવતા પોલીસે કાળો જાદુ કરી લોકોના દાગીના પડાવતી ગેંગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.