મલાણી સાઈઠના ગામોના તળાવમાં દબાણોને કારણે કસરા– દાંતીવાડા પાઇપ લાઇન યોજના ફળીભુત ન થાય તેવી વકી
પાલનપુર પંથકમાં મલાણી સાઈઠ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છે. ત્યારે રાજ્ય સરકારે લાખો રૂપિયાના ખર્ચે તળાવો ભરવા માટે કસરા-દાંતીવાડા પાણીની પાઇપ લાઇન મંજુર કરી છે. જોકે, ગામના તળાવોમાં દબાણો હોઈ પાણી ભરવાની યોજના ફળીભૂત થાય તેમ ન હોઈ દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે.
પાલનપુર તાલુકામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા સામે ખેડુતો ઝઝૂમી રહ્યા છે. ભૂગર્ભમાં પાણીના તળ નીચે જવાથી બોર ફેલ જાય છે. આ મુદ્દે સ્થાનિકોએ આંદોલન છેડતા રાજ્ય સરકારે પાણીની સમસ્યાના હલ માટે લાખો રૂપિયાના ખર્ચે કસરા- દાંતીવાડા પાઇપ લાઇન મંજુર કરી છે. જે પાઇપ લાઇન થકી અસરગ્રસ્ત ગામોના તળાવ ભરાશે. જેથી પાણીના તળ ઊંચા આવશે. પરંતુ મલાણી સાઈઠ વિસ્તારના 15 થી 20 ગામોમાં નામના જ તળાવ છે. તળાવોમાં દબાણો હોઈ સરકારની તળાવો ભરવાની યોજના ફળીભૂત થાય તેમ ન હોઈ દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે.
આ અંગે ખેડૂતોએ મુખ્યમંત્રી અને મંત્રી કુંવરજી બાવળીયાને રજુઆત કરી છે. જેને લઈને દબાણોનો સર્વે પણ હાથ ધરાયો હતો. પણ દબાણો દૂર થયા નથી. ગામમાં તળાવો બોલે છે. પણ દબાણોને પગલે ક્ષેત્રફળ મુજબ તળાવો ન હોઈ નામના તળાવો રહી ગયા છે. જેથી સરકારની તળાવો ભરવાની યોજના ફેલ જાય તેમ હોઈ સત્વરે દબાણો દૂર કરવાની માંગ જોર પકડી રહી હોવાનું સામાજિક કાર્યકર હરિભાઈ પંચાલે જણાવ્યું હતું.