બાંધકામ વ્યવસાય નેસ્ત નાબુદ થવાની સાથે લોકોનું ઘરનું સ્વપ્નું રોળાશે: રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત વધારા સામે રાજ્યભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે ક્રેડાઇ બનાસકાંઠા દ્વારા મૌન રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.
રાજયના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાય મહત્વનું સેકટર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઇ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે પણ બનાસકાંઠા ક્રેડાઈ દ્વારા મૌન રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેવું બનાસકાંઠા ક્રેડાઈના પ્રમુખ મહેશભાઈ પટેલે જણાવ્યું હતું.
જંત્રીના નવા દરો સાયન્ટિફિક રીતે સર્વે કરી તૈયાર કરાયા નથી. જંત્રીમાં અનેક વિસંગતતાઓ છે. ત્યારે અસહ્ય વધારા સામે હાઈકોર્ટમાં જવાની અને વધુ ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ગુજરાઈ ક્રેડાઈના ડિરેકટર મનુભાઈ હાજીપુરાએ આપી હતી. જંત્રી વધારાથી બાંધકામ ઉદ્યોગ નેસ્તનાબૂદ થઈ જશે અને મધ્યમ વર્ગ માટે ઘરનું સ્વપ્નું રોળાઈ જશે તેવી દહેશત વ્યક્ત કરતા ગુજરાત ક્રેડાઈના ડિરેકટર શૈલેષ જોશી, બિલ્ડર કિરીટભાઈ રાજગોર સહિતના બિલ્ડરોએ જંત્રી વધારો પરત ખેંચવાની માંગ કરી હતી.