ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં અત્યારે ભલે થોડી બેકફૂટ પર હોય, પરંતુ તેની તૈયારીઓમાં કોઈ કમી નથી. આગામી એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 14મી ડિસેમ્બરથી ગાબાના ઐતિહાસિક મેદાન પર રમાશે. આ માટે ભારતીય ટીમે પરસેવો પાડવાનું શરૂ કરી દીધું છે. ભારતે પ્રથમ ટેસ્ટ જીતી લીધી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ જીતીને શ્રેણી બરોબરી કરી લીધી છે. હવે ભારત ત્રીજી ટેસ્ટ જીતવાનો પ્રયાસ કરશે. આ જીતથી ભારતને ઘણો ફાયદો થઈ શકે છે.
ગાબા ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટમાં હજુ સમય છે તેમ છતાં ભારતીય ટીમે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શનિવારથી રમાનાર મેચ માટે ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ કરી છે. આ દરમિયાન મંગળવારે બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટીમ ઈન્ડિયાના લગભગ તમામ ખેલાડીઓ તૈયારી કરી રહ્યાં છે. જ્યાં એક તરફ બેટ્સમેનો તેમની બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે, તો બીજી તરફ બોલરો તેમની બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જો કે જે વિડીયો જાહેર કરવામાં આવ્યો છે તેના પરથી એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હશે, પરંતુ એવું ચોક્કસ લાગે છે કે કેપ્ટન વધારે ફેરફાર નહીં કરે.
ટીમ ઈન્ડિયાએ ગાબાનું અભિમાન તોડ્યું હતું
ગાબાનું મેદાન ઐતિહાસિક છે. છેલ્લી શ્રેણી દરમિયાન જ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ગાબાનું ગૌરવ તોડી નાખ્યું હતું. ટીમ ઈન્ડિયા એ મેચને યાદ કરીને ચોક્કસપણે ઉત્સાહિત હશે. પરંતુ આ પહેલા ગાબામાં ભારતીય ટીમનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. ગાબામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 7 ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાંથી ઓસ્ટ્રેલિયાએ 5 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ એક મેચ જીતી છે અને એક મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયા માટે આગામી મેચ જીતવી પણ મહત્વપૂર્ણ છે જેથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની તેની આશા જીવંત રહે. આગામી મેચ જીતીને ટીમ ઈન્ડિયા WTC પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો કરશે.