જંત્રીના દરમાં અસહ્ય વધારાથી રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાં મહામંદીના એંધાણ: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા જંત્રીના અસહ્ય ભાવ વધારા સામે બનાસકાંઠા જિલ્લાની આર્થિક પાટનગરી ડીસાના બિલ્ડર એસોસિએશન અને જમીન દલાલ એસોસિએશન દ્વારા વિરોધ દર્શાવી બેનરો સાથે વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાજય સરકાર ધ્વારા જંત્રીના મુદે લેવાયેલા નિર્ણય સામે બનાસકાંઠા જિલ્લા અને ડીસા તાલુકાને આર્થિક રીતે ગંભીર નુકશાન થવાની ભીતી છે.આ જંત્રીના વધારાના મુદે બાંધકામ ક્ષેત્ર તેમજ જમીન અને મકાન ખરીદ -વેચાણ સાથે સંકળાયેલ લોકોને સૌથી વધારે અસર થવાની શક્યતા રહેલી છે. ડીસા તાલુકામાં લગભગ અંદાજીત 300 ટકા જેટલો વધારો થયેલ છે. અને કેટલીક જગ્યાએ તો 500 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.
આ વધારા સાથે શહેરની એવરેજ જમીનની જંત્રીના ભાવોમાં 250 ટકાથી વધુનો વધારો થયો છે. જંત્રીના આકરા નકકી થયેલા દરોએ રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો લગાવવાની આશંકા છે. રાજય સરકારને જંત્રીના દર નકકી કરવા માટે 18 મહિના લાગ્યા, પરંતુ વાંધા રજુ કરવા માટે ફકત 30 થી 60 દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. જેથી આ બાબતે બિલ્ડર અને જમીન દલાલ એસોસિએશન દ્વારા સરદાર બાગ આગળથી બેનરો સાથે રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અને જંત્રીનો ઉગ્ર વિરોધ કરી રદ કરવાની માંગ પણ કરી હતી.
હાલનો જંત્રી દર મનસ્વી રીતે વધાર્યો છે. કારણ કે કેટલા ગામો કે શહેરોમાં જમીનની માર્કેટ કિંમત કરતાં 3 થી 4 ગણી જંત્રી વધારે છે. અને જો ખેડુતને પોતાની જમીન બચાવવી હશે કે સમય આવે તો છોકરાને ભણાવવા માટે કે દિકરા દિકરીના લગ્ન માટે કે દિકરાને ધંધામાં સેટ કરવા માટે જમીન વેચવી હશે તો જમીન વેચી જ નહી શકે કારણ કે જમીન વેચવા જશે તો માર્કેટમાં જંત્રીની કિંમત વધારે છે. ઉપરોકત કારણોસર અમારો સખત વિરોધ છે. જેથી સરકારે તમામ બાબતો ધ્યાને લઈ આ જંત્રીનો વધારો દૂર કરવા માંગણી છે.