ડીસા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા એક તરફ કડક નાઇટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વો અને તસ્કરો વિવિધ ચોરી સહિતના ગુનાઓને અંજામ આપી રહ્યા છે. અને પોલીસ તંત્રને ખૂલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે ગુરુવારે ડીસા વાડી રોડ મોચીવાસ વિસ્તારમાં મોડી રાત્રે કેટલાક અજાણ્યા તસ્કરોએ આંતક મચાવ્યો હતો.
જેમાં અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજા પર તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો ત્યારે સવારે આ મામલે મકાન માલિકે પોલીસને જાણ કરી હતી છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. મકાન માલિક દ્વારા આક્ષેપ કરાયો હતો અને જણાવ્યું હતું કે સતત ત્રીજી વખત આ તસ્કરોએ મકાનના દરવાજા પર તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ચોરીનો પ્રયાસ કર્યો છે. વળી ચોરી મામલે પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ના કરતા મકાન માલિકે પોલીસની કામગીરી સામે પણ રોષ ઠાલવ્યો હતો.